Search This Website

સાબરમતી નદીના સૌંદર્ય પર 117 કાવ્યોનાં રચયિતા

 

 

- માત્ર છ ચોપડી સુધી અભ્યાસ કરનાર આચાર્યશ્રીએ ગુજરાતી-સંસ્કૃત ભાષામાં 140 ગ્રંથો લખ્યા 

સભામાં જ્યારે એમ કહેવાયું કે,'સાબરમતી રિવરફ્રન્ટ પર પદ્માસનયુક્ત યોગનિષ્ઠ બુદ્ધિસાગરસૂરીશ્વરજીની પ્રતિમા હોવી જોઈએ' ત્યારે સર્વત્ર સ્તબ્ધતા વ્યાપી ગઈ. સહુને વિમાસણ થઈ કે સાબરમતી તીરે વળી કર્મયોગી, જ્ઞાાનયોગી અને ધ્યાનયોગી આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરિની પ્રતિમા શા માટે? એના ઉત્તરમાં મેં કહ્યું, 'સાબરમતી નદીના સૌંદર્યને કોઈએ ખોબે-ખોબે પીધું હોય, તો તે આચાર્ય બુદ્ધિસાગરસૂરિ છે. ઈ.સ. ૧૯૦૦ ની આસપાસ નરોડાથી વળાદ આવતા એમણે સાબરમતી નદી પાસેથી પસાર થતા એનાં કુદરતી સૌંદર્યને કારણે એમના કવિહૃદય અને યોગીહૃદયમાં અનેક ભાવોની ભરતી જાગી. મહાન સાધુપુરુષ હોવાથી આ સરિતાના સૌંદર્યને નિરખતા નિરખતા એમણે માનવજીવનના સૌંદર્યની વાત કરી. વળાદમાં આવ્યા, ત્યારે ઉપાશ્રયની સામે વહેતી સાબરમતી નદીના સૌંદર્યને જોઈને એમને શિક્ષણના વિચારો આવ્યાં. આ નદી કેવો અપ્રતિમ બોધ આપે છે! આ વહેતી સાબરમતી નદીમાં ઋતુએ-ઋતુએ એમાં આવતું પરિવર્તન જોઈને આ અઢારે આલમના અવધૂત એવા આ. બુદ્ધિસાગરજી બોધ તારવે છે અને એ પછી વળાદથી નીકળી માણસામાં આવ્યા, ત્યારે આશરે એકસો કાવ્યો લખ્યાં. તમે કલ્પના કરો કે કોઈએ એક નદીના સૌંદર્યને જોઈને એને જીવનદર્શનમાં ઢાળીને આટલાં કાવ્યો લખ્યાં છે ખરાં?'

એ પછી વિજાપુરમાં આવતા સાબરમતીના કુદરતી સૌંદર્ય સાથે નવ્યગુણ શિક્ષણનાં વિચારો પ્રગટયા. પરિણામે બીજા પાંચસો જેટલાં કાવ્યો લખ્યાં અને તેમાંથી 'સાબરમતી ગુણ શિક્ષણ' કાવ્ય નામની ગ્રંથરચના કરી. સાબરમતી નદીના દર્શને હૃદયમા જે ભાવ પ્રગટયાં, એ સહુ કોઈને વહેંચવાના ખ્યાલ સાથે એમણે આ કાવ્યરચના કરી અને કુલ કેટલાં કાવ્યો લખ્યાં છે, તે તમે જાણો છો? એમણે લખેલાં ૧૧૭ કાવ્યો 'સાબરમતી ગુણ શિક્ષણકાવ્ય' ગ્રંથમાં સામેલ છે. વળી આ કાવ્યોમાં કેટલાક છંદોબદ્ધ કાવ્યો છે, તો વળી કવ્વાલી પણ આમાં મળે છે. એમણે સ્વ-માતૃભાષા સેવા કાવ્યમાં લખેલી આ પંક્તિઓ એ મહાન સાધુરાજના માતૃભાષા પ્રેમને દર્શાવે છે. તેઓ કહે છે-

વિદ્વાન્ થાતાં શું વળ્યું, 

જો માતૃભાષા ના વદી,

નિજમાતૃભાષા પ્રેમવણ, 

દેશોન્નતિ છે નહિ કદી;

નિજમાતૃભાષા જે ત્યજે, 

તે માતૃદ્રોહી જાણવો,

નિજમાતૃભાષા પ્રેમને, 

નિશ્ચય હૃદયમાં આણવો.

નિજમાતૃભાષાના રવે, 

સાબરપરે જીવન ધરો,

નિશ્ચય હૃદયમાં દ્રઢ ધરી, 

એ મંત્રશિક્ષા મન વરો.

સાબરમતીના પ્રવાહમાંથી માતૃભાષાપ્રેમનું કેવું વિરલ પ્રાગટય! રિવરફ્રન્ટ પર એમની પદ્માસનયુક્ત પ્રતિમા એ માટે કે એમણે પોતાના જીવનમાં યોગનો મહિમા કર્યો. 'યોગદીપક', 'શુદ્ધોપયોગ', 'ધ્યાનવિચાર', 'અધ્યાત્મ-ગીતા' જેવા અનેક ગ્રંથો લખીને એમણે યોગસાધનાનાં રહસ્યો પ્રગટ કર્યાં. ક્યારેક એકલદોકલ માનવી જ્યાં ફરકવાની હિંમત ના કરે એવા સાબરમતીના કાંઠે તેઓ એકલા વિહાર કરતા હતા. સાબરમતીના કોતરોમાં નિર્ભયતાથી ઘૂમતા અને ગુફા જેવી કોઈ જગા મળે તો ત્યાં જાપ જપવા બેસી જતાં. ક્યાંક પદ્માસન લગાવી ધ્યાનમાં ડૂબી જાય અને ચાર-ચાર દિવસ સુધી આવા સ્થળે અખંડ સમાધિ લગાવીને બેસી રહે.

જીવનમાં ધ્યાનનો મહિમા કરનાર એમને ક્યાંય પણ ધ્યાનને અનુકૂળ જગા મળે એટલે તરત જ આત્માની અપૂર્વ સમાધિમાં ડૂબી જતા. એ સમયે એટલે કે ઈ.સ. ૧૯૦૪ ની આસપાસના સમયમાં ઈડર, દેશોત્તર, વડાલી, ખેડબ્રહ્મા, કુંભારિયાજી, આબુ, મડાર, સિદ્ધપુર વગેરે સ્થળોએ એમણે આત્મધ્યાન ધર્યું હતું અને સાબરમતી નદીના કાંઠાનો નિર્જન પ્રદેશ એમને વિશેષ સહજ સમાધિ કરાવનારો લાગ્યો. એમના ધ્યાન વિશે ભાવનગરથી પ્રકાશિત થતા 'ભાવનગર સમાચાર'માં લાક્ષણિક કિસ્સો નોંધાયો છે. આ અઠવાડિકના તંત્રી જયંતિલાલ મોરારજી મહેતાને તો સૂરિજીના યોગ-પ્રભાવનો સાક્ષાત્ અનુભવ થયો હતો. એમણે સૂરિજીને યોગવિદ્યાની તાકાત બતાવવા કહ્યું ત્યારે સૂરિજીએ પોતાની પ્રાણશક્તિ બ્રહ્મરંધ્રમાં કેન્દ્રિત કરીને બતાવી. તેમનું શરીર તંગ થઈ ગયું. પગનાં આંગળાં સાવ સીધાં થઈ ગયાં. જયંતિભાઈએ જોયું તો નાડી બંધ હતી. હૃદયના ધબકારા સંભળાતા નહોતા. શ્વાસોશ્વાસની ક્રિયા પણ બિલકુલ થંભી ગઈ હતી. ધીરે ધીરે એ સપાટ અને નિશ્ચેષ્ટ લાગતું શરીર ચારેક આંગળ ઊંચે આવ્યું. આ દ્રશ્ય જોઈને જયંતીભાઈ સ્તબ્ધ જ થઈ ગયા. આવી હતી આચાર્યશ્રીની ધ્યાનસાધના!

એમની આ ધ્યાનસાધનાના પ્રભાવમાંથી મહુડીમાં શ્રી ઘંટાકર્ણવીરની સ્થાપના થઈ. એ જમાનામાં ઉત્તર ગુજરાતમાં સમાજ અંધશ્રદ્ધાઓમાં ડૂબેલો હતો. ગામેગામ ભૂત-પ્રેતની વાત મળે. ચૂડેલ અને ડાકણના વળગાળથી ધૂણતા લોકો મળે. ભૂવાઓની બોલબાલા હતી. કોઈ મોંમાં પગરખાં લઈને કબર પાસે જાય તો કોઈ પીરના સ્થાનકે જઈ પંજા છાતી પર લે. એમાં મળતા પ્રસાદમાં અભક્ષ્ય હોય તો પણ એ પ્રસાદ ખાય, મનથી ગુલામ, હૃદયથી વહેમી, સ્વભાવથી ભીરુ અને મહેનતથી કાયર થયેલી પ્રજાની હીન દશા જોઈને યોગનિષ્ઠ આચાર્ય બુદ્ધિસાગરજીએ ત્રણ દિવસ પદ્માસન લગાવી અંગોનું હલનચલન કર્યા વિના ધ્યાનમાં રહ્યા અને એમાંથી ઘંટાકર્ણ મહાવીરના સાક્ષાત્ દર્શન થયા અને એના પરથી એમણે એની મૂર્તિ બનાવડાવી.

આજે દર વર્ષે તમામ કોમનાં પચીસ લાખથી પણ વધુ લોકો આ મહુડી તીર્થમાં આવે છે અને એમાંની મૂર્તિ જોઈને એક પ્રકારનું જીવનદર્શન પામે છે. ઘંટાકર્ણ મહાવીરના હાથમાં સંકલ્પનું તીર છે અને એ સંકલ્પ છે આત્મજ્ઞાાનની પ્રાપ્તિનો. એમની મૂછોમાં મૃત્યુંજય છે અને એ છે જીવનમાં નિર્ભયતાનો. એમના કદમ આગળ છે, એનો અર્થ છે અધ્યાત્મ પુરુષાર્થના પથ પર સતત પ્રગતિ. એમનો યોગી જેવો લંગોટ જ્ઞાાન-સાધના દર્શાવે છે, તો એમની આંખ દર્શન-ધ્યાન બતાવે છે. મુગટ ચારિત્ર બતાવે છે અને હાથમાં સિદ્ધિનું બાણ એટલે કે આત્મજ્ઞાાનની પ્રાપ્તિ માટેનું સિદ્ધિનું લક્ષ બતાવે છે.

યોગનિષ્ઠ આચાર્ય બુદ્ધિસાગરસૂરિજીનું જીવન એટલે આશ્ચર્ય પર આશ્ચર્ય. માત્ર છ ચોપડી સુધી અભ્યાસ કરનાર એમની સરસ્વતી સાધના અજોડ હતી. એનો આરંભ થયો કવિતાથી અને ધીમે ધીમે માત્રામેળ અને છંદમેળની કવિતાઓ વધુ રચાવા લાગી. એ જમાનામાં સાધુ સમુદાય શિષ્યોની સંખ્યા વધારવામાં પડયો હતો. જેમ વધારે શિષ્યો, તેમ મહત્તા વધારે. સાધુઓ પણ એમના સંખ્યાબળને જોઈને એમને વધુ પૂજનીય અને પ્રભાવશાળી માનતા હતા. જે સાધુને ઓછા શિષ્યો, એની ઓછી શક્તિ થતી. શિષ્ય બનાવવાનો મોહ વધતો ચાલ્યો અને સંખ્યા વધારવાની ઘેલછામાં પાત્રતા જોવાની દરકાર ઓછી થઈ ગઈ. એ સમયના એક સાધુરાજેનો એકસોને આઠ શિષ્યો કરવાની પ્રતિજ્ઞાા લીધી હતી. આ સાંભળીને બુદ્ધિસાગરજી મહારાજને ભારે દુઃખ અને ઊંડો આઘાત થયો.

તેઓ વિચાર કરતાં કે આવા વગર વિચારે થયેલા સાધુઓ કઈ રીતે ધર્મપ્રવૃત્તિ કરે? એનાથી કોનું કલ્યાણ થવાનું? જ્યારે સમજીને સાધુતા સ્વીકારનાર એક સાધુ અનેકનો તારક બનશે. પોતે એવા શિષ્યો ચાહતા હતા જે સદા અમર હોય, કદી પણ વેશ છોડીને ભાગી ન જાય. ક્યારેક શાસનની અવહેલના ન કરે. સદા સહુનું કલ્યાણ કરે.

એમણે મનોમન નિર્ધાર કર્યો કે પેલા પૂજનીય સાધુની માફક હું પણ એકસો ને આઠ ગ્રંથ-શિષ્યો બનાવીશ, જે મારા વિચારોને મૂર્ત કરશે, મારી ભાવનાઓ અને વિચારધારાને ખૂણે ખૂણે પહોંચાડશે અને જ્યાં જશે ત્યાં કલ્યાણ સર્જશે.

બુદ્ધિસાગરજી પાસે જ્ઞાાનની સાધના હતી, કવિની કલ્પના હતી, ગ્રંથોનું ઊંડું વાચન હતું, ગહન શાસ્ત્રોની જાણકારી હતી, ચિંતકનું ચિંતન હતું. પંડિતોએ વિદ્વત્તાનું દાન કર્યું હતું અને ગુરુદેવના આશીર્વાદનું પ્રચંડ બળ પણ હતું અને આશ્ચર્ય થશે કે એકસો આઠ અમરગ્રંથ શિષ્યો આપવાનો સંકલ્પ કરનાર આચાર્ય બુદ્ધિસાગરસૂરીશ્વરજીના કુલ ૧૪૦ પુસ્તકો મળે છે!

માત્ર એકાવન વર્ષની જીવનયાત્રામાં અને તે ય ચોવીસ વર્ષના પોતાના દીક્ષાકાળમાં એમણે આટલા વિપુલ ગ્રંથોનું સર્જન કર્યું. એમની એ સર્જનપ્રક્રિયા અને જ્ઞાાનક્ષિતિજ પણ પારાવાર આશ્ચર્ય જગાડે તેવી છે, જેને વિશે આજેય અહોભાવ જાગે છે!

ઈ.સ. ૧૯૨૫ ની નવમી જૂન એટલે કે સં. ૧૯૮૧ ની જેઠ વદી ત્રીજે વિજાપુરમાં કાળધર્મ પામેલા આચાર્યશ્રીની આજે સ્વર્ગગમન તિથિએ સ્મરણ કરીએ અને કવિ ન્હાનાલાલની એમને આપેલી અંજલિ જોઈએ -

'એ તો ખરેખર સાગર હતો.' 'એવો સાધુ સંઘને પચાસે વર્ષોએ મળે તો સંઘના સદ્ભાગ્ય.' 'એ તો સાચો સંન્યાસી હતો.' 'એના દિલની ઉદારતા પર સંપ્રદાયીઓને વશીકરણ કરતી.' 'બુદ્ધિસાગરજી મહાનુભાવ વિરામતામાં ખેલતા, સંપ્રદાયમાં તો એ શોભતા, પણ અનેક સંપ્રદાયીઓના સમુદાય સંઘમાં પણ એમની તેજસ્વિતા અછાની નહોતી.'

'એમની ભવ્ય મૂર્તિ એમના આત્મસ્વરૂપ જેવી ભવ્ય હતી. વિશાળ મુખારવિંદ, ઉચ્ચ અને પુષ્ટ દેહસ્થંભ, યોગેન્દ્ર જેવી દાઢી!' 'એમનો જબરજસ્ત દંડ! આપણે સૌ માનવજાત મૂર્તિપૂજક છીએ, અને એ ભવ્ય મૂર્તિ અદ્રશ્ય થઈ છે, પણ નીરખી છે તેમના અંતરમાંથી તે જલદી ભૂસાશે નહીં જ.' 'આનંદઘનજી પછી આવા અવધૂત જૈનસમાજમાં થોડા જ થયા હશે.'

પ્રસંગકથા

રામના દેશમાં 'હરામ'નો મહિમા!

અમેરિકાના રાજમાર્ગ પર મગનલાલ ખુબ ઝડપથી મોટર ચલાવી રહ્યા હતા. સ્પીડ-લિમિટની એમને પરવા નહોતી; પરંતુ બાજુના રસ્તામાં છુપાયેલી પોલીસની મોટર ધસી આવી અને મગનલાલને મોટર થોભાવવી પડી.

પોલીસે કહ્યું, 'તમને સ્પીડ-લીમીટનો ખ્યાલ છે ખરો? તમે ઓકસોને પંદર માઇલની ઝડપે મોટર ચલાવતા હતા. હજાર ડૉલર દંડની આ ટિકિટ લો અને ડ્રાઈવિંગ લાઈસન્સ બતાવો.''

મગનલાલ ક્યારેય મુંઝાય નહીં, પણ ગભરાઈ ગયા હોય તેવો દેખાવ કરીને કહ્યું, 'સાહેબ! આટલો મોટો દંડ તે હોય અને લાઈસન્સ તો મેં કઢાવ્યું જ નથી.'

પોલીસે પૂછ્યું, 'આ મોટરનો માલિક કોણ છે ?'

'સાહેબ, માફ કરજો. પણ હું બીજાની મોટર ચોરીને લાવ્યો છું. મારી પાસે અહીં ક્યાંથી મોટર હોય?'

પોલીસે અકળાઈને કહ્યું, 'એમ, એક તો તમે સ્પીડ લિમિટનો ભંગ કરવાનો ગુનો કર્યો અને બીજો મોટર-ચોરીનો કર્યો, ખરું ને?'

'હા, સાહેબ !' મગનલાલે દયામણા અવાજે કહ્યું, 'શું કરું? થોડા સમય પહેલાં મારે મારા ભાગીદાર સાથે બોલાચાલી થઈ. પછી મારામારી થઈ અને મેં ગુસ્સામાં એને શૂટ કરી દીધો અને એની લાશ આ ડેકીમાં છે.'

કોઈ રીઢો ગુનેગાર જાણીને પોલીસે તરત જ હેડ ક્વાર્ટરમાં જાણ કરી અને મુખ્ય ઉપરી અધિકારીને બોલાવ્યા. એ અધિકારીએ આવીને કહ્યું, 'લાઈસન્સ લાવો.'

મગનલાલે પ્લાસ્ટીકની બેગમાંથી લાઈસન્સ કાઢીને કહ્યું, 'આ રહ્યું, જોઈ લો.'

એ પછી એમણે ડેકી ખોલીને ઉપરી અધિકારીને બતાવી તો એમાં ટૂલ-બોક્સ સિવાય કશું નહોતું. ઉપરી અમલદારે એમને બોલાવનાર પોલીસને ખખડાવ્યો અને કહ્યું, 'આ માણસ પાસે કાયદેસરનું ડ્રાઈવિંગ લાઈસન્સ છે. એની ડીકીમાં લાશ તો શું, લોહીનો એક ડાઘ પણ નથી. તો તમારે આવો જુઠ્ઠો રિપોર્ટ કરવાની શી જરૂર હતી.'

મગનલાલે ઉપરી અધિકારીની નજીકમાં જઈને કહ્યું, 'સાહેબ ! આ જુઠ્ઠાબોલા અધિકારીએ તો તમને એમ પણ કહ્યું હશે કે હું કલાકના એકસોને પંદર માઈલની ઝડપે મોટર ચલાવતો હતો.'

આ વાત અમને એટલા માટે યાદ આવી કે મગનલાલની માફક આજે દેશમાં અપ્રામાણિક્તા અને છેતરપીંડી ડગલને પગલે જોવા મળે છે. રાજ્યના પ્રધાનો, સરકારના ઉચ્ચ અધિકારીઓ, જુદા જુદા વિભાગો અને સરકારી કચેરીઓ, જાહેર સંસ્થાઓ - બધે જ ભ્રષ્ટાચાર વ્યાપી વળ્યો છે. પ્રજા ભ્રષ્ટાચારને 'જાદુઈ ચાવી' માને છે, જેમાં પૈસા આપીને કામ કઢાવી લેવામાં આવે છે. 'હરામ'નું લેવામાં કોઈને શરમ રહી નથી.

હકીકતમાં તો પ્રજાજીવનમાં ભ્રષ્ટાચારની માનસિક્તા જોવા મળે છે. દેશની પ્રજાને લાગેલું આ કૅન્સર છે, જે દેશના ચારિત્ર અને પ્રગતિને ધીમે ધીમે ગ્રસી જાય છે અને દેશને તબાહ કરી રહ્યું છે. સામાન્ય માનવીને પારાવાર મુશ્કેલીઓ અનુભવવી પડે છે અને પૈસાના જોરે કામ કરનારા તાગડધિન્ના કરે છે.

રામ, મહાવીર અને બુદ્ધના આ દેશે જાણે પ્રામાણિક્તાને દેશ નિકાલ આપ્યો છે અને ભ્રષ્ટાચારને સર્વત્ર અબાધિત અધિકાર આપ્યો છે.

આજની વાત

બાદશાહ : બીરબલ, ભારતના શા ખબર છે ?

બીરબલ : જહાંપનાહ, ભારતનાં ગામડાઓમાં ઈન્ટરનેટનો વપરાશ શહેરોને પણ આંબી ગયો છે.

બાદશાહ : ક્યા ખૂબ !

બીરબલ : જહાંપનાહ, આને કારણે તો ગ્રામજનોનો દિવસ ૨૪ કલાકને બદલે ૨૦ કલાકનો થઈ ગયો છે. વધુમાં વધુ એક કલાક મોબાઈલનો પોતાના કામને માટે ઉપયોગ કરે છે ને ચાર કલાક એની પાછળ બિનજરૂરી વેડફે છે.

No comments:

Post a Comment