- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી
ધડામ્.. ધૂડમ્... કાનના પડદા ફાડી નાખે એવાં ધડાકા સાંભળીને હું ને કાકા દોડયા . કમ્પાઉન્ડને અડીને આવેલી હોટેલ તરફ જોયું તો ગેસની ટાંકી ફાટતા જબરજસ્ત ધડાકો થયો હતો અને બધું વેરણછેરણ થઈ ગયું હતું. સદ્ભાગ્યે કોઈ જાનહાનિ ન થઈ. બંબાવાળા આવ્યા અને સૌથી પહેલાં સિલિન્ડર અને ચૂલાને જોડતી રબ્બરની નળી તપાસી કહ્યું કે આ જુઓ, રબ્બરની નળીને ઉંદર કાતરી ગયા એટલે ગેસ લીક થતાં ધડાકો થયો. બધા બચી ગયા એટલે હાશકારા સાથે હું અને કાકા ઘરે આવ્યા.
ઓટલે બેસીને મેં કહ્યું કે ,'ઉંદરને પાપે કેવો ધડાકો થયો સાંભળ્યોને ?' પથુકાકાએ તત્કાળ ટકોર કરી, 'ઉંદરના પાપે ગેસની ટાંકીમાં ધડાકો થયો, પણ ગેસની ટાંકીના દરમાં વધારાને પાપે ભાવના ભડાકા કેવા થાય છે? લોકોના કાનના પડદા ફાટી જાય છે, ખબર છે? એટલે વધતા ઉંદર અને વધતા દર આ ધડાકા અને ભડાકાનું મૂળ છે એ તું સમજ્યો કે નહીં?'
મેં કહ્યું , 'ઉંદર શબ્દ પણ કમાલનો છે હો? 'ઉં' પરથી અનુસ્વાર કાઢી નાખો તો ઉદર એટલે પેટ થાય.'ઉ'આખેઆખો કાઢી નાખો તો દર થાય. એટલે ઉંદર જેમ પોતાનું ઉદર ભરવા દોડાદોડી કરે છે એમ માણસને પણ ઉદર-નિર્વાહ માટે દોડાદોડી કરવી પડે છે. એટલે જ જ્યારે દર વધે ત્યારે ઉ-દરમાં ફાળ પડે.'
કાકાએ ઉમેરો કર્યો કે દરને અંગ્રેજીમાં રેટ કહે અને ઊંદરને પણ રેટ કહે છે એટલે ટૂંકમાં 'રેટ' વધતા જાય ત્યારે સહુઊંચા-નીચા થાય.
ઓટલા પર તડકો આવવા માંડયો એટલે હું અને કાકા ઘરની અંદર જવા ગયા. ત્યાં તો (હો)બાળાકાકી વણેલી રોટલીનો થાળ લઈ ઓટલા પર આવ્યા અને ગ્રેનાઈટની લાદી પર ઉપર રોટલી શેકવા માંડયાં. આ જોઈને કાકા બોલ્યા, 'આ શું ખેલ કરે છે? બધા જુએ એમ ઓટલા પર કેમ રોટલી ચોડવવા બેઠી?'
કાકી બોલ્યાં, 'દાળ-શાક વઘારી લીધા પછી જેવી રોટલી કરવા ગઈ ત્યાં ગેસની ટાંકી ખાલી થઈ ગઈ. એટલે મને જબલપુરની એક મહિલાનો ફોટો-સમાચાર વાંચેલા એ યાદ આવ્યા. આ મહિલા આગ વરસાવતી ગરમીમાં કારના બોનેટ ઉપર રોટલી શેકતી હતી. એટલે ગેસની કોઠી ખાલી થઈ જતા મેં પણ એ જ નુસ્ખો અજમાવ્યો. સૂર્યશક્તિથી સોલાર કૂકરમાં જેમ ભાત રંધાય છે એમ સૂર્યના તડકામાં રોટલી કેમ ન શેકાય? આવા હોટ... હોટ તડકામાં રોટલી બનાવીને મેં નવું નામ આપ્યું છે - હોટલી.'
ખડખડાટ હસીને કાકાએ તો તત્કાળ જોડકણું ચખાડયું:
ભલે વાસી હોય કે ચવડ
ઘરવાળીની રોટલી,
પણ એના જ હાથમાં
હોય છે ધણીની ચોટલી.
આવે ચુનાવ ત્યારે મફત
રોટલીને નામે વોટ પડાવી,
નેતાઓ રોટલીને બનાવે છે વોટલી.
મેં એક ફિલ્મ જોઈ હતી, 'ઘેર ઘેર માટીના ચૂલા', પણ સરકારે તો ફૂંક મારી મારીને પેટાવવા પડે એવાં માટીના ચૂલાની જગ્યાએ ઘેર ઘેર ગેસના ચુલા આપવા માંડયા. મહિલાઓને ધુમાડાથી બચાવવા માટે સરકારે ચૂંટણી વખતે કરદાતાના પૈસાનો ધુમાડો કર્યો, પણ એક વાર ચૂંટણી જાય એટલે ગેસની કોઠીથી માંડી બધી ચીજોના ભાવ ઊંચે જાય. પહેલાં જેમ ફૂંકી ફૂંકી ચૂલા પેટાવવામાં આવતા એમ હવે ફૂંકી ફૂંકી ભાવના ભડકા કરવામાં આવે છે.
હું અને કાકા રિક્ષામાં જતા હતા. રસ્તામાં ગેસ સ્ટેશન આવ્યું એટલે રિક્ષાવાળાએ ગેસ ભરાવવા માટે રિક્ષા અંદર લીધી. એક કોર્નરમાં ટ્રકમાંથી તાજા જ ઉતારેલા સીએનજી (કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ)ના બાટલાની ઉપર ચારેક મજૂરો ઊભડક બેઠા હતા. આ સીન જોતાંની સાથે જ કાકા બોલ્યા, 'જુઓ તો ખરા, ગેસના ભાવ કેવા વધી ગયા છે! નેચરલ ગેસ (કુદરતી વાયુ) બાટલામાં ભરવા ઉપર માણસ બેસાડવા પડે છે.'
પથુકાકા વધુ કાંઈ બાફે એ પહેલાં મેં આડી વાતે ચડાવતા પૂછ્યું કે ,'કાકા, તમારે ઘરે બે કોઠી છે?'
કાકાએ જવાબ આપ્યો બે કોઠી (સિલિન્ડર) નહીં, ત્રણ કોઠી છે.' મેં પૂછ્યું, કેવી રીતે? ત્યારે કાકા હસીને કહે, 'બે ગેસની કોઠી અને ત્રીજી કોઠી તારી કાકી. એનું આકાર ગુમાવી બેઠેલું 'નિરાકાર' કોઠી જેવું ફિગર તે નથી જોયું? એટલે રસોડાની એ રાણી પહેલાં રાંધણ ગેસના ચુલા પર રાંધે, પછી ગેસ પર રાંધેલું અકરાંતિયાની જેમ ખાય એટલે પેટમાં ગેસ થાય. પછી ઓલી હોટેલમાં ગેસ લીકેજને લીધે કેવાં ધડાકા થયા હતા એ તેં સાંભળ્યા હતાને? બસ એવું વાયુ-પ્રદૂષણ અને ધ્વનિ-પ્રદૂષણ એક સાથે ઘરમાં ફેલાય. એટલે જ કહું છું કે: કોઠી કોઠીમાં ફેર છે, એક ખાલી થાય અને બીજીમાં ગેસ ભરાય ત્યારે કાળો કેર છે.'
હમણાં જ અમારી સોસાયટીના એક ભાઈ માંદા પડતા નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. હું અને કાકા ઉપડયા ખબર કાઢવા. વોર્ડની બહાર પાડોશી ભાઈના પત્ની બેઠાં હતાં. મેં અને કાકાએ પૂછ્યું કે કેમ છે મારા ભાઈને? ભાભીએ અસલકાઠિયાવાડીમાં જવાબ આપ્યો કે, 'સવારથી ગેસ ઉપર મૂક્યા છે.' અમે ચોંકી ઉઠયા. વોર્ડની અંદર જોયું તો પાડોશીના બેડની બાજુમાં ઓક્સિજનનું સિલિન્ડર મૂક્યું હતું અને પેશન્ટના નાકમાં નળી લગાડી હતી. આ જોઈને કાકાએ મને ધીમેકથી કાનમાં કહ્યું, 'આ એક જણ ગેસ પર નથી, ગેસના ભાવ વધારાને કારણે આખો દેશ ગેસ પર આવી ગયો છે, બોલ સાચું કે નહીં?'
હોસ્પિટલમાંથી બહાર નીકળ્યા ત્યાં જ કાકાનો મોબાઈલ રણક્યો અને સામે છેડેથી કાકી ેબોલ્યાં, 'કહું છું કે વળતી વખતે રિક્ષામાં ગેસની કોઠી લેતા આવજો, હોં? કોઠી ખલાસ થઈ ગઈ છે એ ખબર છેને?'
હું અને કાકા ગેસ એજન્સીમાં ગયા. કાકાએ ભારે હૈયે ખિસ્સામાંથી હજારેક રૂપિયા કાઢીને કાઉન્ટર પર ચૂકવ્યા. ગેસની ટાંકી લીધી અને ઓટોરિક્ષામાં મૂકી ઘર તરફ પ્રયાણ કર્યું. ઘરે પહોંચી રિક્ષામાંથી કોઠી ઉતારી ઠેઠ કાકાના રસોડા સુધી મૂકીને પછી પરસેવો લૂંછતા લૂંછતા પથુકાકાએ મોંઘવારીની મહાઆફત વચ્ચેની કેવી રીતે સિલિન્ડર લાવ્યા એની ઝાંખી કરાવતું ગીત શબ્દો ફેરવીને લલકાર્યું :
હમ લાયે હે 'દુકાન'સે
'કોઠી' નીકાલ કે
ઈસ 'ગેસ' કો રખના
મેરે બચ્ચોં સંભાલ કે
(હો)બાળાકાકી તાડૂક્યાં, 'દેશભક્તિના ગીતને ગે સભક્તિના ગીતમાં ફેરવીને આમ શું રાગડા તાણો છો? ઘરડે ઘડપણ ભગવાનનું નામ લ્યો, ભગવાનનું.' પથુકાકાએ મોટા અવાજે નામ લીધું : જય યોગેશ્વર... બધા ગેસ પર જય યો-ગેસ-વર...
મેં કાકાને યાદ દેવડાવ્યું , 'મને ખ્યાલ છે ત્યાં સુધી તમે શાસ્ત્રીય સંગીત અડધુંપડધું શીખેલા કે નહીં?' માથું ધુણાવી હા પાડતા કાકા બોલ્યા,
'શાસ્ત્રીય સંગીત થોડું શીખેલો પણ મારો રસ દેશભક્તિના ગીતોમાં એટલે લાલબહાદુર શાસ્ત્રીય સંગીતમાં રહ્યો છે.'
મેં કહ્યું, 'ફિર હો જાય... ઉસ્તાદ બડે ગુલાબજાંબુ ખાન... કુસ સુનાઈયે...' દાદ આપતાની સાથે જ કાકાએ તો દાદ, ખાજ, ખુજલી આ ત્રિરંગી સૂરાવલી છેડતાં કહ્યું, 'હું શરૂઆત દેશ રાગ પર આધારિત ફિલ્મી ગીતથી કરીશ ધ્યાનથી સાંભળ:
આપ કો પ્યાર
છુપાને કી બડી આદત હૈ...
હવે મજા જો. રાગ દેશ પરથી મેં રાગ ગેસ બનાવ્યો છે. એટલે આ જ ગીતના શબ્દો ફેરવીને ગાઈશ, તને ખબર પડી જશે કે સરકાર ચૂંટણી નજીક આવે ત્યારે બધી ચીજોના ભાવ કાબૂમાં રાખે છે અને અમુક ચીજોના ભાવ ઘટાડે પણ છે.જેવી ચૂંટણી પતે અને જીતી જાય એટલે ખલાસ, બધી ચીજોના ભાવ દિવસે ન વધે એટલા રાતે વધવા માંડે. આ ભાવ પ્રગટ કરતું રાગ 'ગેસ' પર આધારિત ગીતનું મુખડું સાંભળ:
આપ કો પ્રાઈઝ
છુપાને કી બૂરી આદત હૈ...
ગેસના ભાવવધારા સામે લોકો ધમાલ કરે ત્યારે નકટા નેતાઓ રાગ ધમાલ કૌંસમાં સંભળાવે છે:
ગેસ જલતા હૈ
તો જલને દે
આંસુ ના બહા
કકળાટ ન કર
ગેસ જલતા હૈ તો જલને દે...
હવે તું જ કહે કે દેશ આખો દામના ડામથી દાઝતો હોય અને બળતરા વેઠતો હોય ત્યારે આભારતીય જલતા પક્ષનો અવાજ કોઈ સાંભળે નહીં ત્યારે દેશવાસીઓને કેવી દાઝ કે દેશ-દાઝ ચડે?'
મેં કહ્યું, 'કાકા, મેં સાંભળ્યું છે કે કોઈ કોઈ ગામમાં તો પૈસા આપ્યા છતાં સિલિન્ડર નથી મળતા, ક્યારેક બ્લેકમાં લેવા પડે છે.' કાકા બોલ્યા, ' વાત સાચી, નસીબમાં હોય એને મળે , બીજું શું? મુકદ્દર કા સિલિન્ડર...'
મેં કહ્યું, 'તો અત્યારની આ મોંઘવારી જોઈને 'ગુંજ ઉઠી શહનાઈ' ફિલ્મના ટાઈટલ પરથી નવું નામ સૂઝ્યું છે: ગુંજ ઉઠી મહંગાઈ...'
મેં કાકાને કહ્યું, 'કોઠીનો ભાર ઉપાડવા સ્ટેશન પર હમાલ પણ મળે પણ કોઠીનો 'ભાવ' ઉપાડવા હમાલ ક્યાં મળે છે?'
પથુકાકાએ તરત જ જોડકણું સંભળાવ્યું:
વધતા ભાવની કમાલ છે
સુખી છે એ જેના ખિસ્સામાં માલ છે,
બાકી તો તમારી-મારી જેવાં
આર્થિક બોજો ઉઠાવતા હમાલ છે.
અંત-વાણી
કુદરતી વાયુને કોઠીમાં ભરી
કરે ભાવના ભડકા
આવા દામવધારા વચ્ચે
કેમ જીવે કડકા.
No comments:
Post a Comment